કોઈ પણ જાતના મસાલા વગર ભારતીય વાનગીઓ અધૂરી છે.ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ મસાલા તે રાજ્યની વાનગીઓની ઓળખ ઉભી કરે છે.દા.ત.ઈડલી, ઢોસા, મેંદુવડા, ઉત્તપમ સાથે પીરસાય છે સાંભાર.દાળમાથી બનતા સાંભારમા સાંભાર મસાલો ઉમેરવામાં આવે છે.આપણા ગુજરાતમાં ભરેલા શાકનો મસાલો તાજો બનાવીને સંભાર્યા શાક સ્વાદિષ્ટ બનાવે છે.ગુજરાતી પ્રજા ચાનો મસાલો વર્ષભર બનાવીને મસાલા ચાનો આનંદ રોજ માણે છે.આજકાલ લગભગ બધા મસાલા સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે.ગરમ મસાલો દરેક ભારતીય રસોઈમાં ઉપલબ્ધ હોય જ છે.અનેક બ્રાન્ડના મસાલા જોવા મળે છે.
છોલે મસાલો, પાઉંભાજી મસાલા,ગરમ મસાલા,કીચન કિંગ મસાલા, બિરયાની મસાલા, સાંભાર મસાલો,રસમ મસાલો.
આવા અનેક મસાલા તૈયાર મળે છે.અમુક વાનગીઓમાં તાજા બનાવેલા મસાલા વાનગીઓને સ્વાદિષ્ટ તો બનાવે છે પણ વાનગીઓને ઓળખ પણ આપે છે.આ વાનગીઓ માટે મસાલા તાજા બનાવીએ તો જ વાનગીઓનો સ્વાદ જળવાઇ રહે છે.
પરાઠા મસાલા
આ મસાલો લોટ બાંધતી વખતે ઉમેરી શકાય છે.પરાઠા વણી અને ધી અથવા તેલ ચોપડી આ મસાલો ભભરાવી અને પરાઠા ફરી વણી લેવા.પરાઠાના પૂરણમાં મસાલો ઉમેરી શકાય છે.
સામગ્રી
૧ ચમચી લાલ મરચું પાવડર
૧ ચમચી જીરું પાવડર
૧ ચમચી આમચૂર પાઉડર
૧ ચમચી ધાણાજીરૂ પાવડર
૧ ચમચી પાવભાજી મસાલો
૧ ચમચી ગરમ મસાલો
નમક સ્વાદ મુજબ
રીત
દરેક સામગ્રી ભેગી કરી લેવી.પરાઠા બનાવતી વખતે બારીક સમારેલી કોથમીર મસાલામાં ઉમેરી શકાય છે.
કડાઇ મસાલો
આ મસાલો કડાઇ પનીર, વેજીટેબલ કડાઈમાં ઉપયોગ કરી શકાય છે.
સામગ્રી
૩ આખા લાલ મરચાં
૧ ચમચો આખા ધાણા
૧ ચમચી જીરું
૧ ચમચી કાચી વરિયાળી
૧/૨ ચમચી મરી
૧ લીલી એલચી
રીત
સૌ પ્રથમ આખા મરચા શેકી લેવા.
પ્લેટમાં કાઢી લેવા.
ત્યાર બાદ બધી સામગ્રી ૨ થી ૩ મીનીટ શેકવી.
પ્લેટમાં ઠંડી થવા દેવી .
આ મસાલો ખાડણી દસ્તા અથવા તો ખરલમાં દળી લેવો.
તવા મસાલા
સામગ્રી
૨ ચમચા આખા ધાણા
૧ ચમચી આખું જીરું
૨ આખા લાલ મરચાં
૧/૨ ચમચી મેથી દાણા
૧ નાનો તમાલ પત્ર
૧ તજનો ટુકડો
૪ લવીંગ
૩ મોટી એલચી
૧/૨ ચમચી આખા મરી
૧ ચમચી આમચૂર પાવડર
૧/૨ ચમચી હળદર પાવડર
ચપટી હિંગ
રીત
એલચીના દાણા કાઢી અલગ રાખવા.
હળદર, આમચૂર પાઉડર અને હીંગ સિવાયની બધી સામગ્રી એક પછી એક શેકી લેવી.
પ્લેટમાં ઠંડા કરવા.મસાલા અને એલચી દાણા ભેગા કરી દળી લેવા.આમચૂર પાવડર,હળદર અને હિંગ ઉમેરીને બરાબર મીક્સ કરવું.કડાઇ પનીર,વેજ કડાઇ વગેરે વાનગીઓમાં ઉપયોગ કરી શકાય છે.
શાકનો મસાલો
સામગ્રી
૨ ચમચો આખા ધાણા
૨ ચમચી આખું જીરું
૧/૨ ચમચી રાઇ
૩ થી ૪ આખું લાલ મરચું
૩ થી ૪ લવીંગ
૧ તજનો ટુકડો
૧/૨ ચમચી કાળા મરી
૨ લીલી એલચી
૨ મોટી એલચી
૧ ચમચી વરીયાળી
નાનો ટુકડો જાયફળ
૧ ટુકડો જાવંત્રી
૧ ચમચી હળદર પાવડર
રીત
દરેક આખા મસાલા એક પછી એક ધીમા તાપે શેકી લેવા.
પ્લેટમાં ઠંડા કરી દળી લેવા.હળદર પાવડર ઉમેરી ભેળવી લેવા.
એર ટાઈટ ડબ્બામાં ભરી રાખવા.
દહીં વડાનો મસાલો
સામગ્રી
૪ આખા લાલ મરચાં
૧ ચમચો આખા ધાણા
૧/૪ કપ જીરું
૧/૨ ચમચી મરી પાવડર
૨ ચમચી સંચળ પાવડર
૧ મોટી એલચી
રીત
પ્રથમ આખું મરચું શેકી લેવું.પ્લેટમા કાઢી લેવું.
પછી બાકીના મસાલા એક પછી એક શેકવા.
ઠંડા કરવા.દરેક સામગ્રી દળી લેવી.
સંચળ પાવડર ઉમેરીને એર ટાઈટ ડબ્બામાં ભરવી.
ખીચડીનો મસાલો
સામગ્રી
૧/૨ ચમચી કાળા મરી
૧ તમાલ પત્ર
૩ થી ૪ લવીંગ
૧ તજનો ટુકડો
૨ થી ૩ લીલી એલચી
ચપટી જાયફળ પાવડર
ચપટી સુંઠ પાવડર
રીત.
જાયફળ પાવડર અને સુંઠ પાવડર સિવાયની સામગ્રી ધીમા તાપે શેકી લેવી.ઠંડી કર્યા પછી દળી લેવી.
જાયફળ પાવડર અને સુંઠ પાવડર ઉમેરી સરસ મીક્સ કરી લેવું
કઢીનો મસાલો
સામગ્રી
૧ ચમચી આખા ધાણા
૧/૨ ચમચીચમચી જીરું
૧/૪ ચમચીચમચી રાઇ
૧/૪ ચમચી મેથી દાણા
૧ એલચી
૨ લવીંગ
૧/૨ તજનો ટુકડો
૧ નાનુ તમાલ પત્ર
૪થી ૫ મરીના દાણા
૫ થી ૬ લીમડાના પાન
ચપટી સુંઠ પાવડર
ચપટી હિંગ
રીત
લીમડાના પાનને ધીમા તાપે શેકવા.બહુ શેકવા નહીં.લીલો રંગ જળવાઈ રહે એમ જ શેકવા.
શેકીને હાથથી ભૂકો કરવો.જો બરાબર શેક્યા હશે તો સરસ ભૂકો થશે.માઇક્રોવેવમા પણ શેકી શકાય.
આખા મસાલા ધીમે તાપે એક પછી એક શેકી લેવા.
ઠંડા કરી દળી લેવા.
લીમડાનો ભૂકો ઉમેરવો
હીંગ આને સુંઠ પાવડર ઉમેરવા.
એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા.ઉકળતી કઢીમાં આ મસાલો ઉમેરવો.
કોલ્હાપુરી મસાલો
સામગ્રી
૩ આખા લાલ મરચાં
૨૫ ગ્રામ સુકા કોપરાનું ખમણ
૫ ગ્રામ સફેદ તલ
૫ ગ્રામ આખા ધાણા
૫ ગ્રામ આખું જીરું
૫ ગ્રામ કાળા મરી
૫ ગ્રામ ખસખસ
૧/૨ ચમચી રાઇ
૧ ચમચો કાશ્મીરી લાલ મરચું પાવડર
રીત
એક ચમચી જેટલું તેલ ગરમ કરી પહેલાં ધીમા તાપે કોપરાનું ખમણ સાંતળી લેવું.બહુ લાલ ન થવા દેવું
એક પ્લેટમાં કાઢી લેવું.
ખસખસ થોડી સાંતળી લેવી.પ્લેટમા કાઢી લેવી.
આખું લાલ મરચું સાંતળી લેવું પ્લેટમાં કાઢી લેવું
રાઇ અને લાલ મરચું પાવડર અલગ રાખવા.
ત્યાર પછી બાકીની સામગ્રી ભેગી કરી ધીમા તાપે ૫ મીનીટ સાંતળવી.પ્લેટમા કાઢી લેવી.
મસાલા ઠંડા થાય એટલે તેમાં કોપરું,ખસખસ,રાઇ, આખું મરચું,લાલ મરચું પાવડર ઉમેરીને ગ્રાઇન્ડ કરી લેવા.
ટીકા મસાલા
૧ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
૧/૨ ચમચી હળદર
૨ ચમચા આમચૂર પાઉડર
૩ ચમચા આખા ધાણા
૨ ચમચા આખું જીરું
૨ ચમચી કાળા મરી
૮થી ૧૦ આખા કાશ્મીરી લાલ મરચાં
૪ થી ૫ મોટી એલચી
૬ થી ૭ લીલી એલચી
૧ તજનો ટુકડો
૫ થી ૬ લવીંગ
રીત
આખા ધાણા, આખું જીરું, આખું મરચું,તજ,લવીંગ,મરી,એલચી એમ બધા આખા તેજાના ધીમા તાપે શેકી લેવા.૮ થી ૧૦ મીનીટ સુધી શેકવા.
પ્લેટમાં કાઢી લેવાં.ઠંડા થાય એટલે તેમાં હળદર,લાલ મરચું પાવડર અને આમચૂર પાઉડર ઉમેરી સરસ મીક્સ કરવું.ગ્રાઇન્ડ કરી લેવું.
કટલેસ મસાલો
સામગ્રી
૫૦ ગ્રામ આખું જીરું
૫૦ ગ્રામ કાળા મરી
૨૫ગ્રામ લવીંગ
૨ તજના ટુકડા
૧ આખું લાલ મરચું
૧ ચમચી હળદર
રીત
હળદર સિવાયના બધા મસાલા ધીમા તાપે શેકી લેવા.
ઠંડા કરી હળદર ઉમેરીને ગ્રાઇન્ડ કરી લેવા.
હળદર વૈકલ્પિક છે.આ મસાલો કટલેસ,આલુ ટીક્કી, શાકભાજીના પુરાણમાં ઉમેરી વાનગીઓમાં ઉપયોગ કરી
શકાય છે.
પોહા મસાલા
સામગ્રી
૧/૪ ચમચી જીરું પાવડર
૧/૪ ચમચી ધાણા પાવડર
૧/૪ ચમચી લાલ મરચું પાવડર
૧/૪ ચમચી ગરમ મસાલો
ચપટી સંચળ અને ચપટી સુંઠ પાવડર
રીત
દરેક સામગ્રી ભેગી કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી.
પોહા બનાવતી વખતે ઉપયોગ કરી શકાય છે.
શીકંજી મસાલો
૧ ચમચો શેકેલું જીરું
૧/૨ ચમચી આખું જીરું
૧/૨ ચમચી કાળા મરી
૧/૨ ચમચો સંચળ
૧/૨ ચમચી બુરૂ સાકર
ચપટી હિંગ
રીત
મરી અને આખું જીરું ૧ મીનીટ ધીમા તાપે શેકી લેવા.
ગ્રાઇન્ડરમા શેકેલું જીરું,મરી,સંચળ, હીંગ ગ્રાઇન્ડ કરી લેવા.
બુરૂ સાકર ઉમેરવી.શીકંજી બનાવતી વખતે જરૂર મુજબ લીંબુનો રસ,નમક અને બનાવેલો શીકંજી મસાલો વાપરવો.
આ મસાલો સલાડ, ફ્રૂટ ચાટ, ફણગાવેલા કઠોળ, રાયતામા ઉપયોગ કરી શકાય છે.
સેન્ડવીચ મસાલો
સામગ્રી
૧ ચમચી જીરું આખું
૧/૨ ચમચી આખા મરી
૧/૨ નાનો તજનો ટુકડો
૧/૨ ચમચી વરિયાળી
૨ થી ૩ લવીંગ
૧/૨ ચમચી સંચળ પાવડર
૧/૪ ચમચી આમચૂર પાવડર
રીત
લવીંગ,મરી, જીરું, વરીયાળી, તાજનો ટુકડો,એક પછી એક શેકવા. પ્લેટમાં ઠંડા કરવા.બરાબર દળી લેવા.
સંચળ પાવડર અને આમચૂર પાવડર ઉમેરીને મસાલો તૈયાર કરવો.આ મસાલો તાજો બનાવીને ઉપયોગ કરવો વધુ સારો લાગે છે.સેન્ડવીચમા તાજા મસાલાનો સ્વાદ સરસ લાગે છે.
ભાતનો મસાલો
વઘારેલા ભાતમાં, મહારાષ્ટ્રીયન રીંગણ ભાત,ટીડોળા ભાતમાં અન્ય શાકભાજીવાળા ભાતમાં આ મસાલો ઉમેરી શકાય છે.
સામગ્રી
૫ ચમચી અડદ દાળ
૧/૪ કપ ચણા દાળ
૧/૪ કપ આખા ધાણા
૧/૪ ચમચી મરી
૫ થી ૬ આખા લાલ મરચાં
૧ ચમચી ખસખસ
૧/૪ કપ સુકા કોપરાનું ખમણ
૧ એલચી
૩ લવીંગ
૧ તજનો ટુકડો
રીત.
ખસખસ ધીમા તાપે શેકી લેવી અને પ્લેટમાં કાઢી લેવી.
સુકા કોપરાનું ખમણ ધીમા તાપે શેકી અને પ્લેટમાં કાઢી લેવું
બંને દાળ શેકીને પ્લેટમાં કાઢી લેવી.
બાકીની સામગ્રી મધ્યમ તાપે શેકીને પ્લેટમાં કાઢી લેવી.
સામગ્રી ઠંડી થાય એટલે ગ્રાઇન્ડ કરી લેવી.
તંદુરી મસાલો
સામગ્રી
૧/૨ ચમચો પેપરીકા
૧/૪ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
૧/૨ ચમચી ધાણા પાવડર
૧/૨ ચમચી જીરું પાવડર
૧/૨ ચમચી હળદર પાવડર
૧/૪ ચમચી મરી પાવડર
૧/૨ ચમચી સુંઠ પાવડર
૧/૨ ચમચી મેથી દાણાનો પાવડર
૧/૮ ચમચી તજનો પાવડર
૧/૮ ચમચી લવીંગ પાવડર
૧/૮ ચમચી એલચી પાઉડર
૧/૮ ચમચી જાયફળ પાવડર
૧ ચમચી વરિયાળી પાવડર
૧/૨ ચમચી કસુરી મેથી પાવડર
ચપટી સંચળ પાવડર
રીત
દરેક સામગ્રી ભેળવી લેવી અને જારમાં ભરી લેવી.
દાળ તડકા મસાલો
સામગ્રી
૧ ચમચો આખું જીરું
૧ ૧/૨ ચમચો આખા ધાણા
૧ ચમચી કાચી વરીયાળી
૨ થી ૩ લવીંગ
૧ નાનો તજનો ટુકડો
૧ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
૧ ચમચી હળદર
ચપટી હિંગ
રીત
આખા ધાણા, આખું જીરું, વરીયાળી, લવીંગ,તજ જેવા આખા મસાલો શેકી લેવા.
ઠંડા કરીને દળી લેવા.
મરચું પાવડર, હળદર પાવડર અને હિંગ ઉમેરી દાળ તડકામાં ઉપયોગ કરી શકાય.
ફ્રેન્ચ ફ્રાય મસાલો
સામગ્રી
૧ ચમચી પેપરીકા
૧ ચમચી કાંદાનો પાવડર
૧ ચમચી લસણનો પાવડર
૧/૪ ચમચી ડ્રાય પાર્સલી
૧/૪ ચમચી ડ્રાય ઓરેગાનો
૧/૪ ચમચી ડ્રાય બેસીલ
૧/૪ ચમચી મરી પાવડર
ચપટી લાલ મરચું
નમક
રીત
દરેક સામગ્રી સરસ મીક્સ કરી લેવી.જારમા ભરી રાખવી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો