દક્ષિણ ભારતના વિવિધ સાંભાર અને રસમ

આપણા ગુજરાતીઓ માટે સાંભાર એટલે ઇડલી, ઢોસા અને વડા સાથે પીરસાતી દાળ.પણ દક્ષિણ ભારતીયો માટે સાંભાર ભાત અને રસમ બપોર અને રાત્રીનું પ્રમુખ ભોજન છે.સાંભાર અને રસમ દક્ષિણભારતની પરંપરાગત વાનગીઓ છે.જેમાં મોટેભાગે તુવેરની દાળમાં ઘણી શાકભાજીઓ ભેળવીને બનાવવામાં આવે છે.
       
મહારાષ્ટ્રમાં આમટી નામની વાનગીમાં આંબલીનું પાણી ઉમેરાય છે.કહેવાય છે કે મરાઠા રાજ્યના શિવાજીરાજાના પુત્ર સંભાજી રાજે એક વાર રસોઇયા આવ્યા નહીં ત્યારે જાતે દાળ બનાવા લાગ્યા.કોકમની જગ્યાએ દાળમાં આંબલી અને શાકભાજી ઉમેરતા એક નવીન વાનગી બનાવી.એટલે આ વાનગીનું નામ સંભાજી પરથી સાંભાર રાખ્યું.
સાંભાર તાન્જાવુર પાક કલાની કૃતિ છે જે દક્ષિણ ભારતમાં પ્રમુખ ભોજન તરીકે લેવાય છે.
દક્ષિણભારતના દરેક રાજ્યમાં સાંભારની વિવિધતા જોવા મળે છે.તામિલનાડુમા તલના તેલનો ઉપયોગ થાય છે તો કેરળમાં નાળીયેરના તેલનો.કર્ણાટકમા આપણા ગુજરાતની જેમ ગોળ પણ ઉમેરાય છે.
દક્ષિણ ભારતની વાનગીઓ ઈડલી,ઢોસા ,ઉત્તપમ જેવી વાનગીઓ પ્રખ્યાત છે.અને આ પરંપરાગત સાંભાર
સ્વાદીષ્ટ ના બને તો ઈડલી ઢોસાની મજા ઉડી જાય. આમ તો બજારમાં ઘણી બ્રાન્ડના સાંભાર મસાલા મળે છે પણ તાજો મસાલો ઘરે બનાવીયે તો સ્વાદ વધુ સરસ લાગે છે.
સાંભાર બનાવવા સાંભાર મસાલો અથવા તો સાંભાર પેસ્ટ ઉમેરવામાં આવે છે.તાજો બનાવેલો મસાલો સાંભારને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
આ અદભૂત વાનગીમાં ઘણી લહેજત  અને સ્વાદ છે પણ એક સ્વાદ જે આંબલીની ખટાશનો રહેવાનો જ.જો કે કોકમની ખટાશનો પણ ઉપયોગ કરી શકાય.

સૌથી પહેલાં મુખ્ય સામગ્રી સાંભાર મસાલાની રીત છે.
         

સાંભાર મસાલો  ૧ કપ બનશે
સામગ્રી
૧/૨ કપ આખા  ધાણા
૨ચમચા તુવેરદાળ
૨ ચમચા ચણાદાળ
૨ ચમચા અડદદાળ
૧ ચમચો જીરું
૧/૪ ચમચી મેથી દાણા
૧/૨ ચમચી રાઇ
થોડા લીમડાના પાન
૧ ચમચી મરીના દાણા
૧૦થી ૧૫ આખા લાલ મરચા
સ્વાદ પ્રમાણે મરચાંનુ પ્રમાણ વધઘટ કરાય.
૧ ચમચી હળદર
૧/૪ ચમચી હિંગ
રીત
એક જાડા તળિયાવાળા વાસણમાં આખા ધાણા શેકવા.
સુગંધ આવે એટલે પ્લેટમાં કાઢી લેવા.
ત્યારબાદ તુવેરદાળ,ચણાદાળ,અડદ દાળ,જીરું અને મેથી દાણા ધીમા તાપે શેકવા.
ઠંડા કરવા રાખવા.રાઇ ધીમા તાપે શેકીને રાખવી.
લીમડાના પાન, મરીના દાણા,અને આખા લાલ મરચા ધીમે તાપે શેકવા.શેકાઈ જાય ત્યારે હળદર અને હિંગ ઉમેરી તરત જ
ગેસ પરથી વાસણ ઉતારી લેવું.
ફરી તાપ વગર જ ૩થી ૫ સેકન્ડ  શેકવુ.
બધી સામગ્રી ઠંડી  થવા દેવી પછી મીક્ષીમાં સૂકી દળી લેવી.

રેસ્ટોરન્ટ સાંભાર
સામગ્રી                                          
૧/૨ કપ તુવેર દાળ
૧ ચમચો મસૂર દાળ
૫ થી ૭ નાના કાંદા (શેલોટ)
જે સાંભાર માટે વપરાય છે.
૬થી ૭ સફેદ કોળુંના ટુકડા
૧મધ્યમ સાઈઝનો કાંદો સમારેલો
૨ ટમેટા સમારેલા
૧ લીલું મરચું સમારેલું
૨ લસણની કળી સમારેલી
૧ ૧/૨ ચમચી આંબલીનુ પાણી
૧/૨ ચમચી ગોળ
૧/૨ ચમચી લાલ મરચું પાવડર
૧/૮ ચમચી હળદર
૧ ચમચી ધાણા પાવડર
૧ ચમચી સાંભાર મસાલો.
નમક સ્વાદ મુજબ
વઘાર માટે
૧ ચમચો તેલ
૧/૪ ચમચી રાઈ
૧/૪ ચમચી જીરૂ
૧/૪ ચમચી મેથી દાણા
૧ આખુ લાલ મરચું
હીંગ
લીમડાના પાન

રીત
બંને દાળ ધોઇને ૨૦ મીનીટ પલાળો.
નાના મદ્રાસી કાંદાને ગરમ પાણીમાં પલાળો.
જેથી એની છાલ સરળતાથી ઉતરી જશે.
દાળમા પૂરતું પાણી,નમક અને હળદર ઉમેરો.
કુકરમાં ૩ સીટીએ બાફી લો.
સફેદ કોળુંના ટુકડામાં ચપટી હળદર
અને નમક નાખીને બાફી રાખવા.
બાફયા પછી રહી જતું પાણી ફેંકવું નહીં.
કુકરમાં૧ સીટીથી બફાઈ જશે.
નાના કાંદાની છાલ ઉતારી રાખવી.
કુકર ઠંડુ થાય એટલે દાળ ઝેરી લેવી.
એક તપેલામાં તેલ ગરમ કરી વઘારની
સામગ્રી એક પછી એક ઉમેરવી.
સમારેલો કાંદો ઉમેરી ૨ મીનીટ સાંતળવું.
નાના કાંદા અને લીલાં મરચાંના ટુકડા ઉમેરવા.
લસણ ઉમેરીને સાંતળવું.ટમેટા ઉમેરવા.
લાલ મરચું, હળદર, ધાણા પાવડર ઉમેરવા.
ધીમા તાપે ૨ મીનીટ ચઢવા દેવું.
 કોળુંના ટુકડા પાણી સાથે ઉમેરવા.
આંબલીનુ પાણી ઉમેરી ૧ કપ પાણી ઉમેરવું.
ઉકળવા દેવું.ગોળ ઉમેરવો.
બાફેલી દાળ ઉમેરીને સરસ ભેળવવું.
સાંભાર મસાલો ઉમેરી અને ફરી ઉકાળવું.
નમક ઓછું લાગે તો ઉમેરવું.
કોથમીર છાંટવી
ઈડલી ઢોંસા વડા સાથે પીરસી શકાય.


                                                                     

મીક્સ શાકનો સાંભાર
સામગ્રી
૧/૩ કપ તુવેર દાળ
૧  કપ મીક્સ શાક
ગાજર,ફણસી ,રીંગણ, સરગવાની શીંગ
કોળું/દૂધી,સૂરણ.જે ઉપલબ્ધ હોય તે લેવા.
૨ ચમચા આંબલીની પેસ્ટ
૮ થી ૧૦ નાના મદ્રાસી કાંદા/૧ મોટો કાંદો
૧ ટમેટાના ટુકડા
૧ ચમચી લાલ મરચું
૧/૮ ચમચી હળદર
૧ ચમચી ધાણા પાવડર
૧ ચમચી સાંભાર મસાલો
૧/૨ ચમચી ઘી
નમક

વઘાર માટે
૧ ચમચો તેલ
૧/૨ ચમચી રાઇ
૧/૪ ચમચી જીરું
૧/૪ ચમચી મેથી દાણા
હિંગ
૧ આખું લાલ મરચું
થોડા લીમડાના પાન.

રીત
તુવેર દાળને ધોઈને પલાળી રાખવી.
દાળમાં ૨ કપ પાણી,ચપટી હળદર,નમક
લીમડાના પાન અને ૨ ટીપા તેલ ઉમેરી બાફી લેવી.
આંબલીની પેસ્ટમાં ૧ કપ પાણી ઉમેરવું.
એક તપેલીમાં તેલ ગરમ કરવું.
વઘારની સામગ્રી એક પછી એક સામગ્રી ઉમેરવી.
લીમડો ઉમેરી કાંદા અને બધા શાક ઉમેરવા.
શાક નરમ થાય એટલે ટમેટાના પીસ ઉમેરવા.
લાલમરચું,હળદર,ધાણા પાવડર ઉમેરી સરસ મીક્સ કરવું.
૧ કપ આંબલીનો રસ ઉમેરવો.
સાંભાર મસાલો ઉમેરવો.૧/૨ ચમચી ઘી ઉમેરવું.
ધીમા તાપે ઉકાળવા દેવું.
બાફેલી દાળ ઉમેરવી અને ઉકાળવા દેવું.
નમક જરૂર લાગે તો ઉમેરવું.
કોથમીર છાંટવી.ઘી રેડવું.
આ સાંભાર ભાત સાથે પીરસી શકાય.
તળેલો પાપડ અને લીંબુનું અથાણું પીરસવું.
     
         

સરગવાની શીંગનો સાંભાર
સામગ્રી
૧/૩ કપ તુવેરદાળ
૨ સરગવાની શીંગ
૨ ચમચા આંબલીની પેસ્ટ
૧/૨ ચમચી હળદર
૨ ચમચી સાંભાર મસાલો
હિંગ
નમક સ્વાદ મુજબ
થોડા લીમડાના પાન

વઘાર માટે
૧ ચમચો તેલ
૧/૨ ચમચી મેથી દાણા
૧/૨ ચમચી રાઇ
૧ કાંદો સમારેલો
૧ લીલું મરચું સમારેલું
૧ આખું લાલ મરચું

રીત
દાળમાં ચપટી હળદર,નમક,થોડા તેલના ટીપા અને પાણી નાખી દાળ બાફ લેવી.
આંબલીની પેસ્ટમાં પાણી ઉમેરી અઢી ત્રણ કપ પાણી કરવું.
આ પાણીમાં સાંભાર મસાલો,હળદર ,નમક ઉમેરી રાખવા.
સરગવાની સીંગના ટુકડા કરવા.
એક તપેલામાં તેલ ગરમ કરી રાઈ અને મેથીદાણાનો વઘાર તૈયાર કરવો.
કાંદો અને લીલાં મરચાંના ટુકડા ઉમેરી જરા સાંતળવા.
લીમડાના પાન ઉમેરવા.આખું લાલ મરચું નાખવું.
આંબલીનું પાણી અને સરગવાની શીંગ ઉમેરવી.
ઢાંકી ને ચઢવા દેવું.
સરગવાની શીંગ ગળી જાય પછી બાફેલી દાળ ઉમેરવી.
જરૂર મુજબ પાણી ઉમેરવું
ફરી સંભાર ઉકાળવા મુકવો.જરૂર મુજબ નમક ઉમેરવું.
કોથમીર છાંટવી.
સરગવાની શીંગ અગાઉથી બાફીને પણ ઉમેરી શકાય.
આંબલીનુ પાણી ઉમેરી અને સાંભાર એક વાર ઉકળે પછી
સરગવાની શીંગ ઉમેરવી.


લગ્નમાં પીરસતો સાંભાર. આ સાંભાર કલ્યાણમ સાંભાર કહેવાય છે.જેમાં સારા એવા પ્રમાણમાં શાકભાજી હોય છે.કાંદા લસણ નથી ઉમેરાતા.ભાત અને તળેલા પાપડ સાથે પીરસાય છે.

કલ્યાણમ સાંભાર

સામગ્રી
૧ કપ મીક્સ શાક
કોળું,સરગવાની શીંગ,ફણસી,ભીંડા
૧/૪ કપ તુવેર દાળ
૨ ચમચી સાંભાર મસાલો
૨ કપ આંબલીનું પાણી
૨ ચમચા તેલ
૧/૪ ચમચી રાઈ
૧/૪ ચમચી હળદર
૧/૨ ચમચી ગોળ
લીમડાના પાન
નમક

શેકવાની સામગ્રી
૧ ચમચો આખા ધાણા
૧ ચમચો ચણાદાળ
૧ ચમચી અડદ દાળ
૧ ચમચી મેથી દાણા
૨ આખા લાલ મરચાં
૧ ચમચી તુવેર દળ
૫ મરીના દાણા
૧ ચમચો કોપરું ખમણેલું

રીત
શાક સમારી લેવા.
તુવેરદાળમાં ચપટી હળદર  નાખી બાફી લેવી.
શેકવાની સામગ્રી શેકી લેવી પણ કોપરું ઉમેરવું નહીં.
આ સામગ્રી શેકી એમાં થોડું તેલ ઉમેરી પછી કોપરું ઉમેરવું
પછી બધું કોરું પીસી લેવું.
એક તપેલામાં તેલ ગરમ કરી રાઈ ઉમેરવી.
લીમડાના પાન ઉમેરવા.બધા શાક સાંતળવા.
શાક થોડા ગળી જાય એટલે ૨ કપ આંબલીનું પાણી ઉમેરવું.
સાંભાર પાવડર ,હળદર,હિંગ અને નમક ઉમેરવા.
શાક ગળે ત્યાં સુધી ઉકાળવું.
બાફેલી દાળ ઉમેરવી અને સરસ મીક્સ કરવી.
શેકીને રાખેલો મસાલો ઉમેરવો.
ગોળ ઉમેરવો.૨ થી ૪ મિનિટ ધીમા તાપે ઉકાળવું.
ઉકાળ્યા પછી ઘટ્ટ થશે તો જરૂર મુજબ પાણી નાખી શકાય.
સ્વાદ પ્રમાણે નમક ઉમેરી શકાય.
૧ ચમચી ઘી ગરમ કરી ૧ લીલું મરચું ઉમેરવું.
આ વઘાર ઉપરથી કરવો.
કોથમીર છાંટવી


કેરળ સાંભાર

૧/૨ કપ તુવેર દાળ બાફી લેવી.
૧ કપ મીક્સ શાક
કાચા કેળા,સુરણ,ગાજર,દૂધી,ફણસી,ભીંડા ,
સરગવાનીશીંગ, રીંગણ
૧/૪ ચમચી તેલ
૨ કપ પાણી
૧/૪ ચમચી હળદર
૧ મોટો કાંદો
અથવા નાના કાંદા ૮ થી ૧૦
૧ લીલું મરચું
૧ ટમેટો સમારેલું
હીંગ
નમક સ્વાદ મુજબ
૧ કપ આંબલીનું પાણી
વઘાર માટેની સામગ્રી
૧ ચમચો તેલ
૧/૨ ચમચી રાઈ
હીંગ
૧/૪ ચમચી મેથી દાણા
૧ આખું લાલ મરચું
લીમડાના પાન
૧ ચમચો સાંભાર મસાલો
૧ ચમચી લાલ મરચું પાવડર
૧/૨ ચમચી ધાણા પાવડર

રીત
તુવેર દાળમાં એક લીલું મરચું,૧/૪ ચમચી હળદર
ઉમેરવી.૧/૪ ચમચી તેલ ઉમેરવું.
દાળ ૩ થી ૪ સીટીએ બાફી લેવી.
બધા શાક બાફી રાખવા.
 સાવ ગળવા ન દેવા એ ધ્યાન રાખવું.
દાળનું કુકર ઠંડુ થાય એટલે દાળ મેશ કરવી.
એક તપેલામાં દાળ ઉકળવા મૂકવી.
નાના કાંદા અથવા એક સમારેલો કાંદો ઉમેરવો.
પ્રમાણસર નમક ઉમેરવું.
ધીમા તાપે ૧૦ મીનીટ રાખવું પછી શાકભાજી ઉમેરવા.
બરાબર હલાવી લેવું અને આંબલીનુ પાણી ઉમેરવું.
૧/૪ ચમચી સાંભાર મસાલો અને ૧ કપ પાણી ઉમેરવું.
૫ મીનીટ ધીમા તાપે ઉકાળવા મૂકવું.
તે દરમ્યાન એક વાટકીમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર
બાકી રહેલો સાંભાર પાવડર મીક્સ કરીને તૈયાર રાખવા.
વઘારીયામા ૨ ચમચા તેલ ગરમ કરી રાઈ, હીંગ અને મેથી દાણા ઉમેરવા.
વઘાર તતડે એટલે આખું લાલ મરચું નાખવું.
વાટકીમાં ભેગો કરેલો મસાલો નાખવો અને તરત જ
 વઘારીયુ ગેસ પરથી ઉતારી લેવું જેથી મસાલા બળે નહીં.
ચમચીથી વઘાર હલાવી ઉકળતી દાળમાં ઉપર રેડવો.
ફરી ધીમા તાપે ૫ મીનીટ ઉકાળવું.
કોથમીર છાંટવી.


રસમ દક્ષિણભારતની પરંપરાગત વાનગી છે જેમાં કોકમ,આંબલીનું પાણી,મરી પાવડર,જીરું પાવડર,ટમેટા અને બીજા મસાલા ઉમેરીને બનાવાય છે.મોટે ભાગે ઘરમાં જ્યારે સાંભાર માટે તુવેરની દાળ બાફવામાં આવે છે ત્યારે દાળનું પાણી અલગ તારવી લેવામાં આવે છે રસમ બનાવવા.અથવા તો થોડી બાફેલી દાળમાં આંબલીનું પાણી ઉમેરી રસમ તૈયાર કરવામાં આવે છે.ફક્ત આંબલીના પાણીનું  રસમ બનાવાય છે.ટમેટાનો સાર કાઢીને પણ રસમ બને છે.
ઠંડુ અને ગરમ બંને રીતે પીવાય છે.ભાત સાથે સૂપની જેમ લેવાય છે.શરદીમા રસમ લેવું હિતાવહ છે.
પરંપરાગત જમણમાં સાંભાર,ભાત,રસમ,પાપડ અને દહીં લેવાય છે.રવા ઇડલી, કાંચીપૂરમ ઇડલી અને મેંદુવડા સાથે રસમ સ્વાદિષ્ટ લાગે છે.
રસમ એટલે રસ.મોટેભાગે પાણી જેવું રખાય છે.ઓસામણ જેવું હોય છે.જે રીતે તાજો સાંભાર મસાલો વાનગીનો સ્વાદ બમણો કરે છે એમ તાજો રસમ મસાલો પણ વાનગીની સોડમ વધારે છે.
                 
રસમ મસાલો
સામગ્રી.
દોઢ કપ બનશે
૧ કપ આખા ધાણા
૧/૪ કપ મરી દાણા
૧/૨ ચમચી હળદર
૧ ચમચી જીરું
૫ થી ૭ લીમડાના પાન
૨ ચમચો ચણા દાળ
૧/૩ કપ તુવેરદાળ
૫ થી ૭ આખા લાલ  મરચા
૨ થી ૩ આખા કાશ્મીરી મરચા
રીત
એક જાડા વાસણમાં  ધાણા અને લીમડાના પાન ધીમા તાપે શેકવા.
સુગંધ આવે એટલે પ્લેટમાં કાઢી લેવા.
તુવેરદાળ,અને ચણા દાળ શેકી લેવી અને બાજુ પર રાખવી.
મરી દાણા,જીરું સાથે શેકી લેવા અને બાજુ પર રાખવા.
બંને જાતના આખા મરચા ૧૦ થી ૨૯ સેકન્ડ શેકવા.
બધી સામગ્રી ઠંડી થવા દેવી
પહેલા બન્ને દળો બરાબર પીસવી.
પછી બાકીની સામગ્રી અને હળદર ઉમેરીને પીસી લેવા
આખા લાલ મરચામા સ્વાદ પ્રમાણે વધઘટ કરી શકાય.


           
ટોમેટો રસમ
૩ ટમેટા
૧ ચમચી રસમ મસાલો
૧/૨ ચમચી લસણ બારીક સમારેલુ
ચપટી હળદર
૧ચમચો ગોળ
નમક
૧/૪ ચમચી મરી પાવડર
વધારે માટે
૧ ચમચો તેલ/ઘી
૧ ચમચી રાઈ
૧/૨ ચમચી જીરૂ
લીમડાના પાન
રીત
એક વાસણમાં ટમેટા,૨૧/૨ કપ પાણી લેવું.
તેમાં રસમ મસાલો, હળદર,લસણ,નમક અને
ગોળ ઉમેરી ગેસ પર મૂકો.
મધ્યમ તાપે ચઢવા દેવું.
ટમેટા ગળી જાય એટલે તાપ બંધ કરવો.
ગેસ પરથી વાસણ ઉતારી ઠંડુ થવા દેવું.
પછી બ્લેન્ડ કરી લેવું અને ગાળી લેવું.
ફરી ગેસ પર ધીમા તાપે મૂકવું
વઘારીયામા વઘારની સામગ્રી લઇ વઘાર
કરવો.આ વઘાર રસમ પર રેડવો.
ફરી ૩ થી ૫ મીનીટ ગરમ કરો.
મરી પાવડર ઉમેરીને કોથમીર છાંટવી.


મોર (છાશ) રસમ
સામગ્રી
૧ કપ ખાટું દહીં
૧/૪ ચમચી હળદર
નમક
હીંગ
શેકવાની સામગ્રી
૧ચમચો તુવેર દાળ
૨ આખું લાલ મરચું
૧/૨ ચમચી જીરું
૧ ચમચી મરી
આ ત્રણેય વસ્તુ કોરી શેકવી.
ઠંડુ થયા પછી પીસી લેવો.
વઘાર માટે
૧ ચમચો ઘી
૧ચમચી રાઈ
૧આખુ લાલ મરચું
લીમડાના પાન
રીત
એક તપેલીમાં દહીં સરસ ઝેરી લેવું.
દહીંમાં હળદર, હીંગ અને નમક ઉમેરવું
૩ કપ પાણી ઉમેરીને ફરી મીક્સ કરવું.
બનાવેલો તુવેરદાળનો પાવડર ઉમેરવો.
મધ્યમ તાપે ગેસ પર મૂકી સતત મીક્સ કરવું.
૨થી૩ મીનીટ ગરમ કરવું.
ઉપર દહીં અને દાળની પરત  આવશે.
પછી તપેલી ઉતારી લેવી.
વઘારીયામા ઘી ગરમ કરી રાઈ, આખું લાલ મરચું ઉમેરવું.
લીમડો ઉમેરી આ વઘાર છાશમાં ઉપર ઉમેરવો.
કોથમીર છાંટવી.


                       

કલ્યાણમ રસમ આ રસમ લગનમાં પીરસાય છે.
જેમ કલ્યાણમ સાંભાર પીરસાય છે.
સામગ્રી
૧/૪ તુવેરદાળ
૨ ટમેટા
૧/૨ કપ આંબલીનું પાણી
નાનો આદુનો ટુકડો
૨ લીલા મરચા
લીમડાના પાન
૪ થી ૫ આખા લાલ મરચા
૩/૪ ચમચો ગોળ
૧ ચમચી જીરું
૧ ચમચી મરી
નમક સ્વાદ અનુસાર
૧/૪ ચમચી હળદર

વઘાર માટે
૧/૨ ચમચો ઘી
૧ ચમચી રાઇ
૧ ચમચી જીરું
મેથી દાણા
હીંગ
રીત
તુવેર દાળ ધોઇને બાફી લેવી.
ઠંડી કરીને ઝેરી લેવી.
ટમેટા,મરચાં,આદુ સમારી લો.
જીરું અને મરીને દરદરા ખાંડી લેવા.
તપેલીમાં ટમેટા અને સમારેલાં આદુ લેવું.
નમક અને ૨ ચમચા પાણી ઉમેરી
મધ્યમ તાપે ચઢવા દેવું.
ટમેટા ગળી જાય એટલે આંબલીનું
પાણી ઉમેરવું.લીલા મરચાં અને હળદર ઉમેરવા.
જરૂરી લાગે તો નમક નાંખો.
૨થી ૩ મીનીટ ઉકાળી બાફેલી દાળ ઉમેરવી.
૧ ૧/૨ કપ પાણી ઉમેરવું.
મરી જીરુંનો ભૂકો ઉમેરવા.
ગોળ ઉમેરી ફરી ઉકાળવું.
વઘારીયામા ઘી ગરમ કરી રાઈ જીરું ઉમેરવા.
મેથી દાણા, લીમડો અને હીંગ ઉમેરી વઘાર રસમમાં રેડવો.
કોથમીર છાંટવી.
                 

મગના પાણીનું રસમ
૩ કપ મગનું પાણી
૧/૪ ચમચી હળદર
૧ચમચો કોપરું ખમણેલું
૧/૨ ચમચી જીરું
૧ ચમચા આખા ધાણા
૩થી ૪ મરીના દાણા
૧/૨ ચમચી રસમ પાવડર
૧ ચમચો ગોળ
નમક
લીમડો
૧/૨ ચમચી ઘી
રીત
કોપરું, જીરું અને આખા ધાણા પીસી લેવા.
એક તપેલામાં મગનું પાણી,રસમ પાવડર, લીમડો,નમક
ઉમેરીને ૫ મીનીટ ઉકાળવું.
આંબલીનુ પાણી અને ગોળ ઉમેરવું.
૫ થી ૭ મીનીટ ઉકાળવું.
૧/૨ ચમચી ઘી ગરમ કરી રાઈ હીંગનો વઘાર કરવો.
આ વઘાર મગના રસમ પર રેડવો.
કોથમીર છાંટવી
   
ટમેટા ગાજરનું રસમ
સામગ્રી
૨ થી ૩ ટમેટા સમારેલા
૨ ગાજર સમારેલાં
ચપટી હીંગ
૧/૪  ચમચી ગોળ
૬ થી ૭ લીમડાના પાન
૧/૪ ચમચી આદુ લસણ ખમણેલું
૧ ચમચો રસમ મસાલો
૧ ચમચો ઘી
૧ આખું લાલ મરચું
૧/૪ ચમચી રાઇ
નમક
કોથમીર

રીત
કુકરમાં ૧/૪ ચમચી ઘી ગરમ કરો.
લીમડાના ૩ થી ૪ પાન ઉમેરવું
ખમણેલું આદુ લસણ ઉમેરવું.
જરાક ભેળવીને ટમેટા અને ગાજર ઉમેરવા.
રસમ મસાલો,નમક અને ગોળ ઉમેરી ભેળવી લેવું.
૩ કપ પાણી ઉમેરીને કુકર બંધ કરવું.
૩ થી ૪ સીટી કરવી.
કુકર ઠંડુ થાય એટલે ટમેટા ગાજર બ્લેન્ડ કરી લેવા.
ગરણીથી ગાળી લેવું.જરૂર લાગે તો પાણી ઉમેરવું.
ખટાશ વધુ જાતી હોયતો આંબલીનું પાણી પણ ઉમેરી શકાય.
રસમ ઉકળવા મુકવું.વઘારીયામા બાકીનું ઘી ગરમ કરો.
રાઇ, આખું લાલ મરચું, લીમડાના પાન નાખી વઘાર તતડે
એટલે ઉકળતા રસમ પર રેડવું.
કોથમીર છાંટવી.










































                   

ટિપ્પણીઓ