શિયાળાની સ્પેશિયલ ચા

        



વિશ્વમાં પાણી પછી વધુ પીવાતું પીણું ચા છે.એમા આપણી ગુજરાતી પ્રજાને થેપલા ગાંઠીયા જેવા સવારના નાસ્તામાં ચા જોઇએ જ.ગુજરાતી ગૃહિણીઓ અન્ય મસાલા સાથે ચાનો મસાલો પણ વર્ષભરનો બનાવી રાખે છે.

આપણા રોજના આહારની જેમ ચા આપણા જીવનમાં સ્થાન મેળવી ચૂકી છે.ચાનુ ઉત્પાદન અને ચાનો વેપાર આજીવિકાનું સ્તોત્ર બની ગયું. છે.ચાના રસીયાઓ પોતાની પસંદગીની બ્રાન્ડની જ ચા પીતા હોય છે.

આપણે તો કહેવત પણ રાખી છે કે જેની ચા બગડે એની સવાર બગડી,જેની  દાળ બગડી એનો દિવસ બગડ્યો.જો સવારના સરસ ચા મળી જાય તો આખો દિવસ તાજગી રહે છે.જો કે દરેક વ્યક્તિ પોતાના મનગમતા સમય પર ચા પીવે છે.દરેક ગલી અને નુક્કડ પર ચા મળે છે.મજૂર હોય કે મિલમાલિકો બધામાં ચાની તલપ એક સરખી જોવા મળે છે.પછી ભલેને કપ રકાબી દરેકની હેસિયત પ્રમાણે હોય.મહેમાનોને આજે પણ પૂછવામાં આવે છે શું લેશો ચા,કોફી કે ઠંડુ? ઉનાળામાં ice tea પણ પીરસાય છે.એમા પણ હવે વિવિધતા જોવા મળે છે.

 પહેલાં સાદી ચા અને મસાલા ચા જ મળતી પણ આજે તો ફળ ફ્રુટ અને ફૂલોની ચા મળવા લાગી છે.સ્વાસ્થય પ્રત્યે જાગૃતિ આવવાથી ચા કેવી પીવી એ ચર્ચાનો વિષય બની ગયો છે.બ્લેક ટી તો દવા તરીકે પીવાય છે.આદુ,મરી અને તુલસીની ચા શરદીમાં રાહત આપે છે.બ્લેક ટી, ગ્રીન ટી, વ્હાઇટ ટી,યેલોટી, હર્બલ ટી કેટલીયે જાતના પ્રકાર ઉપલબ્ધ છે.અનેક પ્રકારની ચાના ઔષધીય ગુણોના ફાયદા જાણીને રોજની દિનચર્યામાં અપનાવી શકાય છે.વધુ પડતી ચા સ્વાસ્થ્ય માટે હાનીકારક પણ છે. 

ચા પીવાના આપણે ભારતીયો જ એકલા રસીયા નથી આપણી જોડે આખુંય જગત છે.અને વિવિધતા જોવા મળે છે.

આ બ્લોગમાં અન્ય દેશોની અને ભારતના રાજ્યોમાં બનતી ચા બનાવાની રીત આપી છે.આસામ ટી અને દાર્જિલિંગ ટીના ઉપયોગ કરવાથી પરિણામ સારું મળશે.

દક્ષિણ ભારતમાં એક ગ્લાસમાં કોફી બનાવી બીજા ખાલી ગ્લાસમાં ૪ થી ૫ વાર રેડવામાં આવે છે.જેથી કોફીનો સ્વાદ ક્રીમી હોય છે. એ જ રીતે હોંગકોંગ ટી બનાવાય છે.સિલોન ટીની પત્તી વપરાય છે.ભારતમા આસામ અને દાર્જિલિંગ ટી સારી મળે છે.

હોંગકોંગ ટી ક્રીમી હોય છે.ગરમ અને ઠંડી બંને રીતે પી શકાય છે.



હોંગકોંગ ટી

૨ વ્યક્તિ માટે

સામગ્રી

૩ કપ પાણી

૫  ચમચા ચા પત્તી

૧/૩+૧/૩ કપ હુંફાળું દૂધ

૨ ચમચા કંડેન્સ મીલ્ક

રીત

૩ કપ પાણીમાં ચા પત્તી ઉમેરી ઉકાળવું.

એક વાર ઉકળે પછી ૮ થી ૧૦ મીનીટ ધીમા તાપે ઉકાળવું.

આ ચાનું પાણી ગાળી લેવું.

એક કપ ચાનું પાણી લેવું.૧/૩ કપ દૂધ ઉમેરવું.

૧ ચમચી કંડેન્સ મીલ્ક ઉમેરી સરસ મીક્સ કરવું.

આ રીતે ૨ કપ ચા બનાવવી.

એક મગમાંથી બીજા મગમાં ૩ થી ૪ વાર રેડવાથી આ ચાનો સ્વાદ સરસ આવે છે.જો ઠંડી પીરસવી હોય તો એક ગ્લાસમાં બરફના ટુકડા મૂકવા. ઉપર બનાવેલી હોંગકોંગ ટી રેડવી.ફરી ઉપર ઠંડુ દૂધ ૨ ચમચી ઉમેરવું.

થાઇ ટી.આ ચામાં વેનીલા બીન ઉમેરવામાં આવે છે.પારંપરીક રીતે જો થાઇ ટી બનાવી હોય તો આમલી પાવડર ઉમેરીને બનાવવામાં આવે છે.આપણી પાસે બધી સામગ્રી ઉપલબ્ધ હોવી મુશ્કેલ છે.પણ કંડેન્સ મીલ્કથી ચાનો સ્વાદ સરસ લાગે છે.હોટ હોય કે આઇસ્ડ થાઇ ટીમાં દુધની માત્રા અન્ય ચા કરતાં વધુ હોય છે.મુખ્ય સામગ્રી સારા પ્રકારની ચાપત્તી, દુધ અને કંડેન્સ મીલ્ક છે.એલચી,તજ, ચક્ર ફૂલ મળી રહે છે.અહીયા એક કપ થાઇ ટીની સામગ્રી આપી છે .જો વધુ કડક ચા પસંદ હોય તો ચા પત્તી ઉમેરી ઉકાળવાનો સમય વધુ રાખવો.મોટેભાગે થાઇ ટી ઠંડી પીવાય છે.

સામગ્રી

૧ કપ પાણી

૧ ચમચો સાકર

૧ ચમચો કંન્ડેસ મીલ્ક

૨ ચમચી દૂધ

૨ચમચા ચા પત્તી

૧ ટુકડો  ચક્રી ફૂલ

૨ એલચી

૧/૨ તજનો ટુકડો

૧/૮ વેનીલા બીન

રીત

ચા પત્તી,ચક્રી ફૂલ,એલચી દાણા,તજ અને પાણી મીક્સ કરી ઉકાળવુ . વેનીલા બીન ઉમેરવા. ફરી ૧ થી ૨ મીનીટ ઉકાળવું

પછી ગાળી લેવું.તેમાં સાકર અને કંન્ડેસ મીલ્ક ઉમેરવા.

સરસ મીક્સ કરવું.

જો આઇસ ટી તરીકે પીરસવું હોય તો એક ગ્લાસમાં બરફના ટુકડા મૂકવા.બનાવેલ પીણાંને બરફ પર રેડવું.ઉપર ફરી થોડું દૂધ રેડવું.



મલેશિયન ટી.આ ચામા નમક ઉમેરીને બનાવવામાં આવે છે.પરંપરાગત રીતે નમકનું પાણી બનાવી તેેેેમા ચમચી બોળી રાખવામાં આવે છે.આ ચમચીથી કંડેન્સ મીલ્ક મીક્સ કરાય છે.

સામગ્રી

૩ ચમચી ચા પત્તી

૨ ચમચી કંડેન્સ મીલ્ક

૨૫૦ ml પાણી

ચપટી નમક

રીત

પાણીમાં ચા પત્તી ઉમેરી ૫ મીનીટ ઉકાળવું.

પાણી ગાળી લેવું.કંડેન્સ મીલ્ક ઉમેરવું.

ચપટી નમક ઉમેરીને મીક્સ કરવું.

એક કપમાં ચા ને બીજા ખાલી કપમાં ૩ થી ૪ વાર રેડવાથી ચા ક્રીમી થશે.


રશિયન ટી

૩ વ્યક્તિ માટે

સામગ્રી

૩ કપ પાણી

૧ નાનો તજનો ટુકડો

૩ લવિંગ

૧/૪ ચમચી જાયફળ પાવડર

૨ ટી બેગ

૩/૪ કપ ઓરેન્જ જ્યૂસ

૧/૪ કપ પાઈનેપલ જ્યુસ

૧ ચમચો લીંબુનો રસ

૧/૮ કપ સાકર

રીત

પાણીમાં તજ અને લવિંગ ઉમેરીને ઉકાળવું.

એક ઉકાળો આવે એટલે વાસણ ગેસ પરથી ઉતારી લેવું.

ટી બેગ મૂકી વાસણ ઢાંકી રાખવું.

પાંચ મિનિટ પછી આ પાણી ગાળી લેવું અને ઢાંકી રાખવું.

બીજા વાસણમાં ઓરેન્જ જ્યૂસ, પાઈનેપલ જ્યુસ, લીંબુનો રસ અને જાયફળ પાવડર મિક્સ કરવાં. સાકર ઉમેરી ગેસ પર ધીમા તાપે ઉકાળવું.

સતત હલાવતાં રહેવું.સાકર ઓગળી જાય એટલે તરત જ વાસણ ગેસ પરથી ઉતારી લેવું.આ મિશ્રણને ચાના પાણીમાં ઉમેરી સરસ મીક્સ કરવું.

ટી મીક્સ 

ટી મીક્સ  બનાવીને જારમાં સ્ટોર કરી શકાય છે.

સામગ્રી

૨ કપ ઓરેન્જ ફ્લેવર્સ ઇન્સ્ટન્ટ ડ્રીન્ક મીક્સ

૧ કપ સાકર

૧/૨ કપ આઇસ ટી મીક્સ/ ઇન્સ્ટન્ટ ટી મીક્સ

૧/૪ ચમચી લવિંગ પાવડર

૧ ૧/૨ ચમચી તજનો પાવડર

રીત

એક જારમાં બધી સામગ્રીને એક પછી એક પરત કરીને મૂકવી.

જાર બરાબર બંધ કરી સરસ હલાવી લેવું જેથી મીક્સ થશે.

એક કપ ગરમ /ઠંડા પાણીમાં ૨ ચમચી ટી મીક્સ ઉમેરી ગરમ ચા અથવા આઇસ ટી બનાવી શકાય તેમ.


વેનીલા ટી

૧ કપ ચા માટે

સામગ્રી

૧કપ ગરમ પાણી

૧ ટી બેગ (દાર્જિલિંગ ટી )

૨ચમચા હૂંફાળું દૂધ.

૧ચમચી સાકર

૧/૨ ચમચી તજનો પાવડર

૧/૨ ચમચી વેનીલા ડ્રોપ

રીત

એક  કપમાં ગરમ પાણી લેવું

૧ ટી બેગ મૂકી ૩ મીનીટ ઢાંકીને રાખવું.

ટી બેગ કાઢી લેવી અને ગરમ દુધ,વેનીલા ડ્રોપ, તજ પાવડર અને સાકર ઉમેરી સરસ મીક્સ કરવું.




કતારી કડક ચા

૨ વ્યક્તિ માટે

સામગ્રી

૨ કપ પાણી

૨ચમચી ચા પત્તી

૨  ચમચી સાકર

૨ કપ દૂધ

૧/૨ ચમચી એલચી અધકચરી ખાંડી લેવી

૧ નાનો તજનો ટુકડો

૨ લવિંગ

થોડા કેસરના તાંતણા

રીત

એક તપેલીમાં પાણી ઉકાળવા મુકવું

ચા પત્તી ઉમેરવી.

ધીમા તાપે ઉકાળવું.

દુધ અને સાકર ઉમેરી તજ, લવિંગ,એલચી અને કેસર ઉમેરવા.

ફરી ૨ થી ૩ મીનીટ ઉકાળી ચા ગાળી લેવી.



કશ્મીરની ગુલાબી ટી

૨ વ્યક્તિ માટે.

 ૨ કપ પાણી

૩ કપ દૂધ

૩  ચમચી ચા પત્તી

૩ એલચી

૧ ચમચી નમક

૧/૪ ચમચો બેંકીંગ સોડા

રીત

પહેલા એક તપેલીમાં ૧ કપ પાણી ગરમ કરવું.

ચા પત્તી  ઉમેરવી.એલચી અને બેંકીંગ સોડા ઉમેરવા.

અડધી મીનીટ ચમચીથી મીક્સ કરવું.નમક ઉમેરવું.

બાકીનું પાણી ઉમેરી દેવું.

જો ફ્રીજનું ઠંડુ પાણી ઉમેરવામાં આવે તો ચાનો કલર સરસ ગુલાબી થશે.ચાને ઉકાળવામાં સમય લાગશે.

ચાના પાણીનો રંગ લાલ થશે.

ગેસનો તાપ મધ્યમ રાખવો.દૂધ ઉમેરવું.

જે પ્રમાણે ગરમ ચા પસંદ હોય તે રીતે ઉકાળવું.

ચાનો રંગ ગુલાબી થશે.

ગુલાબની પાંદડીથી સજાવી પીરસવું.



કશ્મીરી કાવા ટી

૧ કપ બનશે

૧ કપ પાણી

૧ ચમચી ચા પત્તી( કશ્મીરી લીલી ચા જો ઉપલબ્ધ હોય)

૨ એલચી અધકચરી કરવી

૧/૨ ઇંચ તજનો ટુકડો

૨ લવિંગ

થોડા કેસરના તાંતણા

૧ ચમચી મધ

૨ બદામ ગરમ પાણીમાં પલાળી રાખવી.

રીત

એક કપ પાણીમાં એલચી,તજ, લવિંગ ઉમેરીને ઉકાળવું.

પાણી ઉકાળી  એક કપમાં રાખવું.

ચા પત્તી ઉમેરી ઢાંકી રાખવું.

બદામની છાલ ઉતારી બારીક કતરણ કરી લેવી.

બદામ અને કેસર ઉમેરીને સરસ મીક્સ કરવું.

પાણી ગાળી લેવું અને મધ ઉમેરવું.


તિબેટની બટર ટી.

લેહ, લદ્દાખ  તિબેટમાં ચાને સુજા કહે છે.નમક વાળી ચા હોય છે.આ પ્રદેશમાં યાક નામના પ્રાણીનુ દૂધનો ઉપયોગ થાય છે.ત્યાની આબોહવામાં યાકનો ઉછેર સરળ હોય છે.યાકના દુધમાંથી માખણ બનાવી વાનગીઓમાં વપરાય છે.ચામા પણ આ માખણ ઉમેરાય છે.જો કે ભારતમાં અન્ય જગ્યાએ યાકનુ દુધ ઉપલબ્ધ નથી. ત્યારે ફૂલ ફેટ મીલ્કનો ઉપયોગ કરી આ ચા બનાવી શકાય છે.

૨ વ્યક્તિ માટે

સામગ્રી

૧/૪ કપ દુધ

૧ ૧/૨ ચમચી ચા પત્તી

૨ ૧/૨ કપ પાણી

૨ ક્યુબ બટર ( unsalted or salted)

રીત

એક તપેલીમાં પાણી ઉકાળવા મૂકવું.

તેમાં ચા પત્તી ઉમેરી ઉકાળવું.એક ઉકાળો આવે એટલે તાપ ધીમો કરી ૩ થી ૪ મીનીટ ઉકાળવું.

આ પાણી ગાળી લેવું.તેમા દુધ ઉમેરી મીક્સ કરવું.

બટર ઉમેરી સરસ મીક્સ કરવું.જો નમક વગરનું બટર હોય તો નમક સ્વાદ મુજબ ઉમેરવું.નમકવાળુ બટર હોય તો નમક ઓછું ઉમેરવું.

ઇરાની ચાય.

પર્શિયન પ્રજા જ્યારે હૈદરાબાદ આવી ત્યારે પોતાની સંસ્કૃતિ સાથે ઇરાની ચા પણ લેતી આવી છે. ભારતમાં ધીરે ધીરે ઇરાની ચાય લોકપ્રિય થતી ગયી.શરૂઆતમા ફક્ત ઇરાની કેફેમાં જ મળતી.ઇરાની ચા બનાવવાનો સમય વધુ હોય છે.ચાનુ પાણી વધુ સમય ઉકાળી અને કપડાંથી ઢાંકીને રખાય છે.પછી પીરસતા સમયે દૂધ ઉમેરવામાં આવે છે.હોટલમા આ રીતે કરે છે જ્યાં પ્રમાણ વધુ હોય છે. 

પારંપરિક રીતે ચાની પત્તીને ધીમા તાપે ઉકાળે છે.તપેલીને જાડા કપડાંથી ઢાંકીને રાખે છે જેથી વરાળ બહાર જાય નહીં અને ખુશ્બુ જળવાઇ રહે.દુધ પણ ઘટ્ટ વપરાય છે.સારી ગુણવત્તા વાળી ચાની પત્તીની જરૂર રહે છે.૧/૪ ભાગ ઉકાળો આવે ૩/૪ ભાગ દુધ અને ઉપર મલાઈ ઉમેરી શકાય છે.




હૈદરાબાદી ઇરાની ટી

૨ કપ બનશે

સામગ્રી

૧ કપ દૂધ

૧ કપ પાણી

૩ ચમચા આસામ ચાની પત્તી

૨ ચમચા ફ્રેશ ક્રીમ

૨ ચમચા સાકર

૨  લીલી એલચી

૧ બડી એલચી

૧ ચક્ર ફૂલ

૧ તજનો ટુકડો

૩થી ૪ લવિંગ

૬ થી ૭ મરી દાણા

રીત

એક તપેલીમાં પાણી ઉકાળવા મૂકવું.

તેમાં ચક્ર ફૂલ,બંને એલચી,તજ, લવિંગ,મરી દાણા ઉમેરવા.

પાંચ મિનિટ ઉકાળવું.

દૂધ અને ક્રીમ ઉમેરી સરસ મીક્સ કરવું અને ધીમા તાપે ફરી ઉકાળવું. પછી ચા પત્તી ઉમેરવી.અને ૩ થી ૪ મીનીટ ઉકાળવું.

ચા ગાળી લેવી.સાકર ઉમેરી મીક્સ કરવી.







મસાલા ચા

અગાઉથી ચાનો મસાલો બનાવી ચામાં ઉમેરી મસાલાવાળી ચા ગુજરાતી ઘરોમાં બને છે.પણ તાજા તેજાનાનો ઉપયોગ કરી ચા બનાવાથી સ્વાદમાં ફરક પડે છે.

૩ વ્યક્તિ માટે

સામગ્રી

૨ કપ દૂધ

૨ કપ પાણી

૨ ચમચી સાકર

૨ ચમચા ચા પત્તી

૪ લવિંગ

૨ એલચી

૨ થી૩ મરી દાણા

૧ તજનો ટુકડો

૧  નાનો આદુનો ટુકડો ખમણેલો

રીત

બધા મસાલા અધકચરા ખાંડી લેવા.

એક તપેલીમાં દૂધ,પાણી અને મસાલા મીક્સ કરવા.

ખમણેલું આદુ ઉમેરી ઉકાળવા મુકવું.

એક વાર ઉકળે એટલે ચા પત્તી અને સાકર ઉમેરવા.

ફરી ધીમા તાપે ઉકાળવું.કડક રાખવી હોય તો ચા વધુ ઉકાળવી.



તંદુરી ટી

પુનાની પ્રખ્યાત તંદુરી ચા હવે ઘણાં શહેરોમાં મળવા લાગી છે.આમ તો રોજની મસાલા ચા બનાવીએ એમ જ બને છે પણ માટીના કુલડીમાં રેડી માટીની સુગંધ આ ચામાં લાવવામાં આવે છે.સૌ પ્રથમ બે માટીની કુલડી લેવી.પાણીથી ધોઇને તડકે મૂકી કોરી કરી લેવી.

સામગ્રી

૧ કપ દૂધ

૧ ૧/૨ કપ પાણી

૨ ચમચા ચા પત્તી

૨ ચમચી સાકર

ચાનો મસાલો સ્વાદ મુજબ

રીત.દરેક સામગ્રી ભેગી કરી ચા બનાવી લેવી.

હવે કુલડીને ગેસ પર મધ્યમ તાપે ૧૦ મીનીટ ફેરવી ફેરવીને ગરમ કરવી.કુલડીને ફેરવીને ઉપરની તરફ રાખી અંદરથી પણ ગરમ કરવી  જરૂરી છે.એક ચિમટાની મદદથી આ કાર્ય કરી શકાય છે.

એક ઉંડા વાસણમાં કુલડી મુકવી.બનાવેલી ચા રેડવી.ગરમ કુલડીમાથી ચા ઉપર આવશે.એકાદ મીનીટ પછી આ ચા બીજી કુલડીમાં રેડીને પીરસવી અથવા બીજા કપમાં પીરસવી.મુખ્ય સુગંધ માટીની હોવી જોઈએ.



કેરળની સુલેમાની ટી

૧ કપ પાણી

૧ ટી બેગ/ ચા પત્તી

૧/૪ ચમચી આદુ ક્રશ કરેલું

૧ લવિંગ

૧ એલચી ક્રશ કરેલી

૧ ચમચી ગોળ

લીંબુનો રસ સ્વાદ મુજબ

રીત

એક કપ પાણી ઉકાળવું.

એક ઉકાળો આવે એટલે આદુ, એલચી, લવિંગ ઉમેરવા.

ચા પત્તી ઉમેરી ફરી એક વાર ઉકાળવું.

ગોળ ઉમેરી સરસ મીક્સ કરી તરત જ તાપ પરથી ઉતારી લેવું.

સ્વાદ મુજબ લીંબુનો રસ ઉમેરી શકાય.

ગાળીને ગરમ પીરસવું.



કલકત્તાની લેમ્બુ ટી

એક કપ બનાવવા માટે

સામગ્રી

૧ કપ પાણી

૧ ચમચી ચા પત્તી

૧ ચમચી સાકર

 ચપટી સુંઠનો પાવડર

ચપટી સંચળ પાવડર

લીંબુનો રસ સ્વાદ મુજબ

રીત

એક વાસણમાં પાણી અને સાકર ઉમેરી ઉકાળવું.

ચા પત્તી ઉમેરી ફરી ઉકાળવું.ચા ગાળી લેવી.

સુંઠ અને સંચળ પાવડર ઉમેરીને બરાબર મીક્સ કરવું.

લીંબુનો રસ ઉમેરી સરસ મીક્સ કરવું.



હર્બલ ટી.

શિયાળામા શરદી કફ ખાાંસી જેવી બિમારીઓ થાય છે.સાથે આપણો આહાર પણ બદલાય છે.કબજીયાત અપચા જેવી સમસ્યા થાય છે. સવારની શરૂઆત ચાથી કરીએ ત્યારે ચામાં અમુક ઓસડીયા ઉમેરી હર્બલ ટી બનાવીને પી શકાય છે.આજકાલ બજારમાં રેડી મેડ હર્બલ ટી પણ મળે છે.

પણ ઘર આંગણે તુલસી, ફુદીનો,લીલી ચા ઉગાડીને હર્બલ ટી બનાવી શકાય છે.ગ્રીનટી, વ્હાઇટ ટી, જીંજર લેમન હની ટી વગેરે હર્બલ ટીના પ્રકાર છે.શરીરમા રહેલા ઝેરી પદાર્થો બહાર કાઢે છે.માત્ર લીલી ચાને પાણીમાં ઉકાળી આદુ કે લીંબુનો રસ ઉમેરીને પીવાથી ફાયદો થાય છે.પણ આ પ્રકારના ઓસડીયા વાપરતા પહેલાં શારિરીક પ્રકૃતિને ધ્યાનમાં રાખવી જરૂરી છે.પિત્તનુ પ્રમાણ વધું હોય એવી વ્યક્તિઓએ હર્બલ ટીનો ઉપયોગ ન કરવો.હર્બલ ટી દુધ વગરની પીવી વધુ સારી છે




હર્બલ ટી

૨ વ્યક્તિ માટે

સામગ્રી

૨ ટી બેગ અથવા ૨ ચમચા ચા પત્તી

૩ થી ૪ ચમચી સાકર

૧/૨ કપ દૂધ

૧ પત્તી લીલી ચા

૧/૪ ચમચી આદુ ખમણેલું 

૧ થી ૨ એલચી અધકચરી ખાંડી લેવી

૨ થી ૩ ફુદીનાના પાન

૨  થી ૩ તુલસીના પાન 

રીત

એક તપેલીમાં પાણી, આદુ, એલચી  ઉમેરી ઉકાળવું.

એક ઉકાળો આવે એટલે લીલી ચાની પત્તી, ફૂદીનાના પાન અને તુલસીનાં પાન ઉમેરવા.૫ મીનીટ ફરી ધીમા તાપે ઉકાળવું.

સાકર ઉમેરી ફરી ઉકાળવું.સાકર ગળી જાય એટલે ચા પત્તી ઉમેરી ફરી ધીમા તાપે ૩ મીનીટ ઉકાળવું.દૂધ ઉમેરવું.

સાકર ઓછી કરવી વધુ સારું છે.જેથી અન્ય સામગ્રીના ઔષધીય ગુણો મેળવી શકાય છે.

૨ થી ૩ મીનીટ ધીમા તાપે રાખી ઉકાળવું.ગાળી લેવું.




લેમન જીજંર ટી

૧ ચમચો લીલી ચાની પત્તી

૧ કપ પાણી

૨ ચમચા લીંબુ+આદુનો રસ

રીત.બધી સામગ્રી પાણીમાં ઉકાળવી.ગાળીને પીરસવી.



હળદર ટી

૨ ચમચા હળદર

૧/૪ કપ પાણી

૧ કપ દૂધ

૧ ચમચો મધ

૧ ચમચો બદામનો ભૂકો

રીત

એક જાડા તળિયાના વાસણમાં હળદર અને પાણી મીક્સ કરવું.

ગેસ પર ધીમા તાપે રાખવું. 

ઘટ્ટ પેસ્ટ  બને એટલે વાસણ ગેસ પરથી ઉતારી લેવું.

બીજા વાસણમાં દૂધ ગરમ કરવા રાખવું.

બદામનો ભૂકો ઉમેરવો.

થોડું ગરમ થાય એટલે પેસ્ટ ઉમેરીને સતત હલાવવું.

એક ઉકાળો આવે એટલે મધ ઉમેરી જરાક ધીમા તાપે રાખવું.

ગેસ પરથી ઉતારી પીરસવું.ગરમ ગરમ પીવાથી ફાયદો થાય છે.





આદુ મધની ચા .

ચા પત્તી કે ટી બેગનો ઉપયોગ ન કરવો હોય તો આ રીતના પીણાં પી શકાય છે.

૨ વ્યક્તિ માટે

સામગ્રી

૩ કપ પાણી

૧ ચમચી ખમણેલું આદુ

૧ ચમચી મધ

૨ લવિંગ

૧ તજનો ટુકડો

૨ નાના ટુકડા સંતરાની છાલ

રીત

એક તપેલીમાં પાણી ઉકાળવું.

એક ઉકાળો આવે એટલે મધ સિવાયની બધી સામગ્રી ઉમેરીને મીક્સ કરવું.૧૦ મીનીટ ધીમા તાપે ઉકાળવું.

કપમાં ગાળી લેવું અને મધ ઉમેરી મિક્સ કરવું.


તમાલપત્રની ચા

સામગ્રી

૧ તમાલપત્રનો ટુકડો 

૧/૨ ચમચી તજનો પાવડર

૨ કપ પાણી

લીંબુનો રસ સ્વાદ મુજબ

મધ સ્વાદ મુજબ

રીત

એક તપેલીમાં પાણી ઉકાળવા મૂકવું.

તમાલપત્ર ઉમેરી પાણી ઉકાળવું.

એક ઉકાળો આવે એટલે તપેલી ગેસ પરથી ઉતારી લેવી.

૩ થી ૪ મીનીટ ઢાંકીને રહેવા દેવી.

પછી પાણી ગાળી લેવું.લીબુનો રસ અને મધ ઉમેરવા.

તમાલપત્રની ચા પાચનક્રિયા માટે સારી છે.

સફરજન ટી

૧ કપ બનશે.

સામગ્રી

૧ કપ પાણી

૧/૨ સફરજનના પીસ

૧/૨  ચમચી ચા પત્તી

નાનો તજનો ટુકડો

નાનો આદુનો ટુકડો બારીક સમારેલો

મધ સ્વાદ મુજબ

લીંબુનો રસ સ્વાદ મુજબ

રીત

એક વાસણમાં પાણી, સફરજનના પીસ,તજ,આદુ,ચા પત્તી ઉમેરી પાણીને એક વાર ઉકાળવું.

પછી ૨ થી ૩ મીનીટ ધીમા તાપે ઉકાળવું.

આ મિશ્રણને ગાળી લેવું.

મધ અને લીંબુનો રસ ઉમેરવો.

















ટિપ્પણીઓ