દક્ષિણ ભારતના ઇડલી, ઢોસા, મેંદુવડા, ઉત્તપમ જેટલા પ્રખ્યાત છે એટલી જ સાથે પીરસાતી ચટણી પણ.
દક્ષિણ ભારતમાં ઇડલી, ઢોસા, ઉત્તપમ સાથે ચટણી પીરસાય છે એમાં મુખ્ય સામગ્રી નાળિયેર હોય છે.સાથે અડદદાળ અને ચણા દાળ પણ હોય છે.મોટે ભાગે ચટણી પર રાઇ લીમડાનો અને આખા લાલ મરચાનો વઘાર હોય છે.આવી રીતે ચટણી પર વઘાર મૂકવો એ દક્ષિણ ભારતમાં જોવા મળે છે જેથી ચટણીમાં અનોખો સ્વાદ અને સોડમ આવે છે.
દક્ષિણ ભારતમાં નાળિયેરનો ઉપયોગ રોજીંદા આહારમાં થતો હોય છે.ભાતની વાનગીઓ હોય કે દાળનો સાંભાર હોય.નાળિયેરની ચટણી વિશેષતા છે.દક્ષિણભારતના ચાર રાજ્યોમાં ચટણી વિવિધ રીતે બનાવાય છે.
આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામીલનાડુ અને કેરળમાં નાળીયેરની ચટણીમાં અલગ અલગ સામગ્રી ઉમેરીને વિવિધ ચટણી બનાવવામાં આવે છે
રવા ઇડલીની ગ્રીન ચટણી. કર્ણાટકમાં રવા ઇડલી સાથે પીરસાય છે.નાળિયેર અને કોથમીર મુખ્ય સામગ્રી છે.ફુદીનો સ્વાદ માટે ઉમેરી શકાય.
સામગ્રી
૧/૨ કપ ખમણેલું નાળિયેર
૧/૪ કપ શેકેલી ચણાદાળ/ શેકેલા દાળીયા
૨ લીલાં મરચાં સમારેલાં
૧/૨ ચમચો લીંબુનો રસ/ આંબલીનો રસ.
નાનો આદુનો ટુકડો સમારેલો
૧/૩ કપ કોથમીર સમારેલી
૧/૪ કપ ફુદીનો સમારેલો
ચપટી જીરું
નમક સ્વાદ મુજબ
વધાર માટે
૧ચમચી તેલ
થોડી રાઇ
હીંગ
લીમડાના પાન
રીત
પહેલા ગ્રાઇન્ડરમા ખમણેલું નાળિયેર,લીલા મરચા,આદુ,
લીંબુનો રસ નમક, જીરું અને જરૂર મુજબ પાણી ઉમેરી અધકચરૂ પીસી લેવું.
પછી કોથમીર અને ફુદીનાના પાન ઉમેરવા
સરસ ચટણીની જેમ પીસી લેવું.
એક વાટકામાં ચટણી લેવી.
વધારીયામા તેલ ગરમ કરી રાઇ ઉમેરવી.
હિંગ ઉમેરવી.
વધાર તતડે એટલે લીમડાના પાન ઉમેરવા.
વધાર ચટણી પર રેડી દેવો.
ટમેટાની ચટણી.
તામીલનાડુમા ટમેટાની ચટણી અને નાળિયેરની ચટણી ઇડલી અને ઉત્તપમ સાથે પીરસાય છે.આ ટમેટાની ચટણીમાં નાળિયેર ઉમેરાતું નથી.પણ નાળિયેરની ચટણી અલગથી બનાવાય છે.
સામગ્રી
૨ ટમેટા
૧ નાનો કાંદો
૧/૨ ચમચી તેલ
૧/૨ ચમચો ચણા દાળ
૧/૪ ચમચી અડદની દાળ
નમક
૧/૪ ચમચી લાલ મરચું પાવડર
ચપટી હળદર
૨ લસણની કળી
૧/૪ ચમચી જીરું
વધાર માટે
૧/૨ ચમચી તેલ
થોડી રાઇ
ચપટી અડદદાળ
હીંગ
લીમડાના પાન
૧ આખું લાલ મરચું(optional)
રીત
એક વાસણમાં ૧/૨ ચમચો તેલ ગરમ કરવું.
ચણા દાળ અને અડદદાળ શેકી લેવા.
જીરું ઉમેરીને મીક્સ કરી તરત જ પ્લેટમાં કાઢી લેવી.
એ જ વાસણમાં કાંદો સાંતળવો.
લસણની કળી ઉમેરી સાંતળવી.
ટમેટાના ટુકડા ઉમેરી સાંતળવા.
નમક, હળદર, લાલ મરચું ઉમેરી સાંતળવું.
ટમેટા અને કાંદા એકદમ ગળી જાય ત્યાં સુધી સાંતળવું.
આ મિશ્રણને ઠંડુ કરવા રાખવું.
પછી બધી સામગ્રી જરૂર મુજબ પાણી ઉમેરી પીસી લેવી.
એક વાટકામાં ચટણી લેવી.
વધારીયામા વધારની સામગ્રી લઇ વધાર કરવો.
અડદની દાળ સાંતળી આખું લાલ મરચું ઉમેરવું.
લીમડાના પાન ઉમેરી જરા સાંતળી વધાર ઉતારી લેવો.
વધાર ચટણી પર રેડવો.
કેરળની કોકોનટ ચટણી.. કેરળમાં બનતી આ ચટણી ઢોસા અને પનીયારમ સાથે ખવાય છે.
સામગ્રી
૧/૨ કપ ખમણેલું નાળિયેર
૨ લસણની કળી
૧ ટમેટાના પીસ
૨ આખા લાલ મરચાં
૧ ચમચો શેકેલા દાળીયા
નમક
વધાર માટે
૧/૨ ચમચી તેલ
રાઇ
થોડી અડદ દાળ
હીંગ
લીમડો
રીત
ખમણેલું નાળિયેર, ટમેટા,નમક, શેકેલા દાળીયા,
આખા લાલ મરચાં, જરૂર મુજબ પાણી ઉમેરી
મીક્ષરમાં પીસી લેવા.
વાટકીમાં ચટણી લેવી.
વધારીયામા તેલ ગરમ કરી રાઇ ઉમેરવી.
અડદની દાળ સાંતળવી.
લીમડો ઉમેરી જરા સાંતળવો.
વધાર ચટણી પર રેડવો.
હોટલ સ્ટાઇલ ક્વિક ચટણી. રેસ્ટોરાંમાં આ ચટણી દક્ષિણ ભારતના વ્યંજન સાથે પીરસાય છે.બીજી ચટણીની જેમ ઉપરથી વધાર મૂકાતો નથી.જલદી બની જાય છે.
સામગ્રી
૧ કપ ખમણેલું નાળિયેર
૧/૨ કપ શેકેલા દાળીયા
નાનો આદુનો ટુકડો સમારેલો
૨ લીલાં મરચાં સમારેલાં
૧૦થી ૧૨ લીમડાના પાન.
૨ ચમચી તેલ
નમક સ્વાદ મુજબ
રીત.
તેલ ગરમ કરી લીમડાના પાન સાંતળી લેવા.
બહુ કાળા ન પડી જાય એ ધ્યાન રાખવું.
દરેક સામગ્રી મીક્ષરમાં લેવી.
લીમડાના પાન ઉમેરવા.
જરૂર મુજબ પાણી ઉમેરવું.
ચટણી બનાવી લેવી.
આ ચટણી ઇડલી, ઢોસા, મેંદુવડા સાથે પીરસવી.
ઢોકળા, મુઠીયા હાંડવા સાથે પણ પીરસી શકાય.
ઇડલી પોડી.
આ એક પ્રકારની સૂકી ચટણી છે.દક્ષિણભારતના ઘરોમાં આ ચટણી હોય જ છે.મલકાપોડી પણ કહે છે.મુખ્ય સામગ્રીમાં અડદદાળ અને ચણાદાળ તો હોય જ છે.બાકી તલ,લીમડો, ગોળ,આખા ધાણા વગેરે ઉમેરીને અલગ અલગ રીતે આ ચટણી બનાવીને સ્ટોર કરી શકાય છે.આખા લાલ મરચા સ્વાદ મુજબ લેવાય છે. કરકરી અથવા પાવડર જેવી બનાવી શકાય છે.ઇડલી, ઢોકળા,પનીયારમ, સાથે પીરસાય છે.કર્ડ રાઈસ અને ઉપમા સાથે પણ પીરસી શકાય.આ ચટણી ઘીમાં મીક્સ કરી ઇડલી પર ચોપડીને બાળકોને લંચ બોક્ષમા આપી શકાય છે.
સામગ્રી
૧/૨ કપ અડદદાળ
૧ ચમચો ચણા દાળ
૧/૮ કપ આખા ધાણા
૩ થી ૪ આખા લાલ મરચાં.
૧/૨ ચમચી રાઇ
૪થી ૫ લીમડાના પાન
હીંગ
નમક
૧/૪ ચમચી તેલ
રીત
જાડા તળીયાના વાસણમાં તેલ ગરમ કરી તાપ ધીમો રાખવો.
રાઇ ઉમેરી તતડે એટલે હીંગ ઉમેરવી.
બંને દાળ, આખા ધાણા અને લીમડાના પાન શેકવા.
સોનેરી બદામી રંગ થાય ત્યાં સુધી શેકવા.
પછી આખાં લાલ મરચાં ઉમેરીને શેકવા.
મરચાં ઉમેરીને બહુ શેકવા નહીં.કાળા પડી જવાથી ચટણીનો
રંગ સારો નહીં લાગે.
એક થાળીમાં ઠંડુ કરવા મુકવું.
નમક ઉમેરીને ડ્રાય ગ્રાઇન્ડરમા સૂકી ચટણી પીસી લેવી.
પીરસતી વખતે ઘી અથવા તેલ ઉમેરવું.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો