તહેવારોમાં બનતા પરંપરાગત પ્રસાદ.

સનાતન ધર્મમાં પૂજા અનુષ્ઠાનનું અધિક મહત્વ છે.પૂજા અનુષ્ઠાન કર્યા પછી જે ભોગ ભગવાનને અર્પણ કરાય છે તે પ્રસાદ. પ્રસાદ આર્શિવાદ રૂપે આપણે આરોગીએ છે.
ભગવાનને અર્પણ કરીએ તે ભોગ અને સર્મિપત સામગ્રી પ્રસાદમાં પરિવર્તિત થાય છે.તહેવારોમા ભક્તો સાત્વિક વાનગીઓ બનાવીને ભગવાનને ધરાવે છે.
 પ્રાંત અનુસાર અલગ અલગ ભોગની વાનગીઓ બનાવાય છે.
ભારત ઉત્સવોનો દેશ છે.ભોજન એ ભારતીય તહેવારોનું અભિન્ન અંગ છે.આખા વરસ દરમ્યાન ધાર્મિક તહેવારો 
ઉજવાય છે.ભારતના દરેક પ્રાંતમાં પારંપરિક વાનગીઓ બનાવીને મંદિરમાં અને ઘરમાં પૂજા અનુષ્ઠાન કરીને ભગવાનને અર્પણ કરાય છે.દરેક પ્રાંતમાં તહેવારોમાં વિશેષ વાનગીઓ બનાવવાની પ્રથા છે.મોટેભાગે આપણે હલવો,શીરો,લાપસી અને ખીર બનાવી ભગવાનને રીઝવવતા હોય છે.પણ જ્યારે તહેવારો આવે ત્યારે એમાં વિશેષતા ઉમેરીને પ્રસાદ બનાવીએ છીએ.જેમકે નવરાત્રીમાં ખીર,પૂરી આને ચણાનું શાક માતાજીને અર્પણ થાય છે.ગણેશોત્સવ પર લાડુ અને મોદકનુ મહત્વ છે.જન્માષ્ટમિ પર માખણ,મીસરી અને પંજરી ધરાવાય છે.
ભગવાનને ધરાવવામાં આવતા ભોગ ઓછા સમયમાં બની જાય એ મહત્વનું છે.તો જ આપણે ભક્તિ સેવા અને ઉત્સવોની ઉજવણીનો આનંદ લઇ શકીએ છે.

પંચામૃત
સૌ પ્રથમ ભોગ ધરવામાં અને ભક્તોને પ્રસાદ આપવામાં પંચામૃત હોય જ.પંચામૃત વગર પૂજા અનુષ્ઠાન અધુરા કહેવાય છે.
ભગવાનની મૂર્તિનો અભિષેક પંચામૃતથી કરવામાં આવે છે.
આપણા ગુજરાતમાં દૂધ, દહીં,મધ,સાકર અને ઘી મેળવીને પંચામૃત બનાવાય છે.ઉત્તરભારત અને દક્ષિણ ભારતમાં આ જ પાંચ સામગ્રીમાં અન્ય સામગ્રી ઉમેરવામાં આવે છે.

ઉત્તર ભારતનું પંચામૃત
સામગ્રી
૧/૨ કપ દૂધ
૧/૨કપ દહીં
૧ ચમચી ઘી
૧ચમચો સાકર
૧  ચમચી મધ
૧ /૨  ચમચી કાજુના બારીક ટુકડા
૧/૪ ચમચી ખારેકના બારીક ટુકડા
૧/૨ ચમચી બદામ ઝીણી સમારેલી
૧/૪ ચમચી ચારોળી
૧ ચમચી કીસમીસ
રીત
એક વાસણમાં ચમચીથી દહીં ફેટી લેવું.
તેમાં દૂધ અને સાકર મીક્સ કરવા.
સાકર ભેળવીને મધ અને ઘી મીક્સ કરવા.
પછી બાકીના બધા સૂકા મેવા મીક્સ કરવા.
ભગવાનને અર્પણ કરતી વખતે તુલસી પત્ર પધરાવું.

વડપલની મંદિરનું પંચામૃત
દક્ષિણ ભારતના વડપલની મંદિરમાં જે પંચામૃત ધરાવાય છે એનું મહત્વ વિશેષ છે.જેમા નાના કેળા મુખ્ય ઘટક છે.જેને એલચી કેળા પણ કહેવામાં આવે છે.
આ પંચામૃત લાાંબો સમય સુધી સાચવી શકાય છે.
પલની પંચામૃત
સામગ્રી
૨ નાના કેળા
૪ ખજૂર
૧ ચમચો ગોળ
કાળો ગોળ પણ લેવાય
૨ ચમચી એલચી પાઉડર
૧ચમચો મધ
૧ચમચી ઘી
થોડા દાડમના દાણા,બારીક સમારેલું સફરજન
રીત
કેળાને સરસ મેશ કરી લેવા.
એક સ્વચ્છ વાસણમાં દરેક સામગ્રી ભેળવી લેવી.
આ પંચામૃતમા દાડમના દાણા,બારીક સમારેલુ સફરજન
ઉમેરી શકાય છે.ગુલાબની પાંખડી અને તુલસી પત્રથી સજાવી 
ભગવાનને અર્પણ કરવું.

ખિરાપત
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ પર દરેક ઘરમાં આ સામગ્રી બનાવવામા આવે છે.વિવિધ મોદક સાથે ખિરાપત ધરાવવાની પરંપરા છે.આમા પાંચ પ્રકારના ખાદ્ય પદાર્થો જે 'ખ'નામ પરથી હોય છે જેમ કે ખોપરુ,ખડી સાકર,ખસખસ,ખારેક ,ખીસમીસ જેને આપણે કીસમીસ કહીએ છે.સરળતાથી બની જાય છે.

સામગ્રી
૧ કપ સૂકા કોપરાનો ભૂકો
૧/૪ કપ ખારેકના બારીક ટુકડા
૧/૪ કપ ખસખસ
૧/૪ કપ ખડી સાકર અથવા મીસરી
૧ચમચો કીસમીસ
૧/૪ ચમચી એલચીનો ભૂકો
રીત
એક જાડી કડાઈમાં ધીમા તાપે ખસખસ ૧ મીનીટ શેકીને બાજુ પર રાખી દેવી.પછી ખારેકના ટુકડા ૩ મીનીટ ધીમા તાપે શેકવા.
બાજુ પર રાખી દેવા.તે જ કડાઈમાં સૂકું કોપરું પણ ૩ મીનીટ શેકી લેવું.
સૌ પ્રથમ ખસખસ બ્લેન્ડરમા બ્લેન્ડ કરવી.બાજુ પર રાખી 
ખારેક અને કોપરું પણ વારા ફરતી બ્લેન્ડ કરી લેવા.
બધા પદાર્થો ઠંડા પડવા દેવા.ખડી સાકરનો ભૂકો કરી લેવો.
પછી દરેક સામગ્રી મીક્સ કરી લેવી.કીસમીસ ઉમેરવી.
એલચીનો ભૂકો ઉમેરવો.
બદામ કાજુ પીસ્તા નો ભૂકો પણ ઉમેરી શકાય.

ગોપાલકાલા
મહારાષ્ટ્રમા જન્માષ્ટમીના તહેવારને દીવસે ઉંચે મટકી બાંધી યુવાનોના સમુહો દ્વારા પીરામીડ બનાવી મટકી ફોડે છે.આ તહેવાર દહીં હાંડી તરીકે ઉજવવામાં આવે છે.દરેક ઘરમાં બાલ ગોપાલને સામગ્રી ધરાવવામાં આવે છે જે ગોપાલ કાલા કહેવાય છે.

સામગ્રી
૧ કપ પૌંઆ
૧/૨ કપ દૂધ
૧ કપ દહીં
૧/૨ કપ તાજું ખમણેલું નાળિયેર
૧/૨ કપ ખમણેલો ગોળ
થોડા દાડમના દાણા
રીત
પૌંઆ બે ત્રણ વાર ધોઇને પાણી નીતારી લેવું.
૧૦ મીનીટ પછી બાકીની બધી સામગ્રી પૌંઆમા મીક્સ કરવી.
જો વધુ ઘટ્ટ લાગે તો દૂધ ઉમેરવું.
દાડમના દાણા મૂકવા
તુલસી પત્ર મૂકી બાલ ગોપાલને ધરાવવું

ગોપાલકાલાની જેમ જ ગળ્યા પૌંઆનો ભોગ બાળગોપાળને કોંકણ પ્રદેશમાં ધરાવાય છે.શ્રીકૃષ્ણને મિત્ર સુદામાના અર્પિત કરેલ તાન્દુળ પ્રિય છે એવો ભાવ વ્યક્ત કરાય છે.
ગળ્યા પૌંઆ
સામગ્રી
૧ કપ પૌંઆ
૩ ચમચા ગોળ ખમણી લેવો
૩ ચમચા નાળિયેર ખમણેલું
૧ ચમચો ઘી
૧ ચમચી તલ
૧ એલચીનો ભૂકો
૪ થી૫ કાજુ
૬થી ૭ કીસમીસ
રીત
તલ જરા શેકીને બાજુ પર રાખવા.
ઘી ગરમ કરી કાજુ અને કીસમીસ વારાફરતી શેકી લેવા.
એક વાસણમાં પૌંઆને ૨ વાર પાણીથી ધોઇ પાણી નીતારી લેવું.
એક મોટા વાસણમાં ખમણેલો ગોળ અને ખમણેલું નાળિયેર
હાથેથી મીક્સ કરવા.૧૫ મીનીટ બાજુ પર રાખી મૂકવા.
પૌંઆમા એલચીનો ભૂકો,૧ચમચી ઘી, ગોળ નાળિયેરનું મિશ્રણ ઉમેરીને હાથેથી જ મીક્સ કરવું.
શેકેલા તલ, સાંતળેલા કાજુ કીસમીસ ઉમેરવા.
ઉપર ફરી ખમણેલું નાળિયેર ભભરાવવું.
તુલસી પત્ર મૂકી બાલગોપાલને અર્પણ કરવું.

પંજરી
 પંજરી જન્માષ્ટમી પર દરેક પ્રાંતમાં બંને છે.કૃષ્ણ જન્મ પછી ભક્તોને મંદિરોમાં પંજરીનો પ્રસાદ અવશ્ય મળે છે..ફક્ત સૂકો મેવો અને દળેલી સાકર મેળવીને પણ પંજરી કરી શકાય છે.
ઘરે કૃષ્ણ જન્મ ઉજવણીમાં માખણ મીસરી અને પંજરી બાળ કૃષ્ણને ભોગ ધરાવાય છે.


સામગ્રી
૧/૨ કપ ધાણાનો પાવડર
૧/૨ કપ શેકેલી બદામનો પાવડર
૧/૨ કપ  મખાણાનો ભૂકો
૧/૪ કપ કાજુનો પાવડર
૧/૪ કપ દળેલી ખાંડ
ચપટી એલચી પાવડર
૧/૪ કપ ઘી
રીત
ઘી ગરમ કરવું.
પહેલા ધાણા પાવડર ઉમેરીને જરાક શેકી તરત જ મખાણા
પાવડર ઉમેરી દેવો..૧/૨ મીનીટ શેકી તરત જ કાજુ,બદામ
એલચી પાવડર ઉમેરી દેવા.
એકાદ મીનીટ ધીમા તાપે રાખી સરસ મીક્સ કરવું.
તાપ પરથી ઉતારી સહેજ ઠંડું થવા દેવું.
દળેલી ખાંડ ઉમેરી સરસ મીક્સ કરવું.
છૂટી પંજરી ભોગ તરીકે અર્પણ કરવી.
       અથવા
નાના નાના પંજરીના લાડુ વાળવા.







 









ટિપ્પણીઓ